પૌરાણિક વાત એવી છે કે જ્યારે ભગવાન શિવજી હિમાલયમાં તપ કરતા હતા ત્યારે મા પાર્વતીએ મન બહેલાવવા માટે માટી માથી ઉંટની આકૃતિ બનાવીને રમવા લાગ્યા. આ ઉંટને પાંચ પગ હતા. પાર્વતીજીએ શિવજીને આ આકૃતિમાં જીવ પૂરવાની જીદ કરી. ભોળા શંભુએ તથાસ્તુ કહ્યુ. પછી આ ઉંટને ચરાવવાની સમસ્યા ઉભી થઈ, ત્યારે શિવજીએ માં પાર્વતીના કેહેવાથી ઉંટની સંભાળ રાખવા માટે એક માણસ ઉત્પન્ન કર્યો તે હતો પ્રથમ રબારી. આ માણસે દેવલોકની અપ્સરા અથવા હિમગિરીની કોઈ દેવી સાથે લગ્ન કર્યુ. (એક દંતકથા મુજબ 'રઈ' નામની અપ્સરા સાથે લગ્ન કર્યા જેનો વંશ 'રાયકા' ના નામથી ઓળખાયો). તેને ચાર પુત્રીઓ થઈ. એ ચાર પુત્રીઓનાં લગ્ન હિમાલયમાં રહેતી જુદી જુદી રજપુત(ક્ષત્રિય) જાતિના પુરુષો સાથે થયાં, અને એ ચારે પુરુષોની જે સંતતિ થઈ એ હિમાલયના નિયમ બહારનાં લગ્ન હોવાથી એ પ્રજા રાહબારી કે રબારીના નામથી ઓળખાવા લાગી. |
એક માન્યતા પ્રમાણે, મક્કા-મદીનાના વિસ્તારોમાં મહમ્મદ પયંગબર સાહેબ પહેલાં જે અરાજકતા પ્રવર્તતી હતી જેના કારણે મૂર્તિ પૂજાનો વિરોધ થયો અને પરિણામે આ લોકોને પોતાનો ધર્મ બચાવવો મુશ્કેલ થતાં પોતાના દેવી-દેવતાઓને પાલખીમાં લઈને હિમાલયના વિસ્તારોમાંથી ભારતમાં પ્રવેશી હશે. (હાલમા પણ રબારી લોકો પોતાના દેવી-દેવતાને મૂર્તિરૂપે પ્રસ્થાપિત કરતાં નથી પરંતુ પાલખીમાં રાખે છે.) તેમાં હૂણ અને શકના ધાડા સામેલ હતાં. રબારી જ્ઞાતિમાં આજે પણ ઘણા હૂણ અટક ધરાવે છે તે ઉપરથી એવું અનુમાન થઈ શકે કે હૂણ રબારી જ્ઞાતિમાં ભળી ગયા હોય. |
એક મત એવો છેકે ભગવાન પરશુરામે પૃથ્વીને એકવીસ વખત ક્ષત્રિહોવિહિન કરી ત્યારે ૧૩૩ જેટલા ક્ષત્રિયોએ પરશુરામના ડરથી ક્ષ્રાત્રધર્મ છોડી પશુપાલનનું કાર્ય સ્વીકાર્યુ. તેથી તેઓ 'વિહોતર' તરીકે ઓળખાયા. વિહોતેર એટલે ૨૦+૧૦૦+૧૩=૧૩૩. |
ભાટ,ચારણ અને વહીવંચાઓના ગ્રંથો પ્રમાણે મૂળ પુરુષને સોળ પુત્રીઓ થઈ અને તે સોળ પુત્રીના લગ્ન સોળ ક્ષત્રિય કુળના પુરુષો સાથે થયાં. જે હિમાલયના નિયમ બહારની લગ્નવિધિથી થયેલાં હોઈ, સોળની જે સંતતિ થઈ તે રાહબારી અને પાછળથી રાહબારીનું અપભ્રંશ થવાથી રબારીના નામથી ઓળખાવા લાગી. ત્યાર પછી સોળની જે સંતતિ થઈ તે એકસો તેત્રીસ શાખામાં વહેચાઈ ગઈ, જે "વિશા તેર" (વિશોતેર) નાત એટલે કે એકસો વીસ અને તેર તે રીતે ઓળખાઈ. |
પ્રથમ આ જાતિ રબારી તરીકે ઓળખાઈ, પરંતુ પોતે રાજપુત્ર કે રાજપુત હોવાથી રાયપુત્રના નામે અને રાયપુત્રનું અપભ્રંશ થવાથી 'રાયકા' ના નામે , ગાયોનું પાલન કરતાં હોવાથી 'ગોપાલક' ના નામે, મહાભારતના સમયમાં પાંડવોનું અગત્યનું કામ કરવાથી 'દેસાઇ' ના નામે પણ આ જાતિ ઓળખાવા લાગી. |
પૌરાણિક વાતોમાં જે હોય તે, પરંતુ આ જાતિનું મૂળ વતન એશિયા માયનોર હશે કે જ્યાંથી આર્યો ભારતમાં આવ્યા હતા. આર્યોનો મૂળ ધંધો પશુપાલન અને તેઓ 'ગોય' જાતિના હતા. તે જ રીતે રબારી જાતિનો ધંધો પશુપાલન છે અને તેઓ ગોય જાતિના છે એટલે જ આ જાતિ પણ આર્યોની સાથે જ ભારતમાં આવી હશે તેવુ અનુમાન કરવામાં આવે છે. |
ભગવાન શ્રીકૃષ્ણ ગોવાળો સાથે મથુરાથી નીકળી દ્વારિકા આવવા નીકળ્યા ત્યારે ચાલતા ચાલતા હાલારનો મચ્છુ કાંઠો દેખાયો. આ હરિયાળી ભોમકા જોઈને ગોવાળ-ગોવાલણોનાં મન નાચી ઉઠ્યાં અને શ્રીકૃષ્ણને કહી દીધું કે "હે માધવ! હવે અમે આગળ એક ડગલુંય ભરવા માંગતા નથી. દ્વારકાનું રાજ તો શું, પણ ઇન્દ્રાસન અપાવો તોય અમારે આગળ આવવું નથી." |
શ્રીકૃષ્ણે વાત પામી જઈ આહીરો અને રબારીઓની છાતીમાં એક એક ધબ્બો મારી વરદાન દીધું કે "જાઓ, નાદાનો! આપણી લેણદેણ પુરી થઈ, પરંતુ મારામાં વિશ્વાસ રાખશો તો તમારી તેગે અને દેગે હાજર રહીશ. તમારી તલવારને લાજવા નહીં દઉં અને રોટલો (ભોજન) ખૂટવા નહીં દઉં." આજે પણ આહીરની અજોઢ તલવાર અને રબારીનો રોટલો અજોડ છે. ( જુઓ "સૌરાષ્ટ્રની રસધાર" તેગે અને દેગે.) |
Thursday, February 10, 2011
દરેક જાતિની ઉત્પત્તિ વિશે જેમ ભિન્ન મત હોય છે તેમ આ જાતિ વિશે પણ જુદા જુદા મત હોઈ શકે છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment